Tuesday, 26 April 2011

મોદી સરકારને જમીન કૌભાંડની ખુલ્લી ચર્ચા માટે પડકાર

કચ્છમાં ઉદ્યોગ સ્થાપવા માટે બે લાખ ચો.વાર જમીન મેળવનારી ઈન્ડિગોલ્ડ રીફાઈનરી કંપનીને મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જમીન વેચવાની મંજુરી આપીને કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પોતાના આક્ષેપને વળગી રહેતાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે મંગળવારે સરકાર અને મહેસૂલ મંત્રીને ગાંધીઆશ્રમની પવિત્ર ભૂમિ પર જાહેર ચર્ચા કરવાનો પડકાર ફેંકયો છે.

જો તેઓ તેમના આક્ષેપમાં ખોટા ઠરે તો જાહેરમાં સરકાર અને પ્રજાની માફી માગશે અને સરકાર ખોટી ઠરે તો સરકારી તિજોરીને થયેલું કરોડોનું નુકસાન ભરપાઈ કરે તેવી શરત તેમણે મુકી છે.
વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે સોમવારે કરેલાં આક્ષેપના જવાબમાં પ્રવકતા પ્રધાનો જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલને મંગળવારે સવારે રૂબરૂમાં પત્ર પાઠવીને આ પડકાર ફેંકયો છે. તેમણે જણાવ્યું કે, તેમના આક્ષેપોને પગલે પ્રવકતા પ્રધાનોએ કરેલી સ્પષ્ટતા સામે ત્રણ સવાલ ઉઠાવતાં કહ્યું કે,

(૧) ગણોત વહીવટ અને ખેતીની જમીનોના કાયદા મુજબ સરકારે કચ્છની કુકમા અને મોટી રેલડીની જમીન સરકાર હસ્તક શા માટે ન લીધી તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

(૨)સરકારના ઉપસચિવથી માંડીને નાયબ સચિવ મનોજ ઓઝા, અગ્રસચિવ (જમીન સુધારણા) જી.એ.અલોરિયા, મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પી. પનીરવેલ અને જે તે વખતના મુખ્યસચિવ ડી. રાજગોપાલને ફાઈલ પરની સ્પષ્ટ નોંધમાં શા માટે લખ્યું છે કે, ઉદ્યોગપતિને આ જમીન વેચવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી અને સરકારે જમીન રાજ્ય હસ્તક જ લેવાની થાય છે ?’

(૨) જો કાયદા અને નિયમથી ખાનગી વ્યક્તિને જમીન વેચવાની પરવાનગી મળવાની થતી હોય તો પછી મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે શા માટે એમ લખ્યું કે, ‘ખાસ કિસ્સા તરીકે વેચવાની પરવાનગી આપીએ !!’

(૪) પ્રવર્તમાન ક્યા કાયદાની કઈ જોગવાઈ નીચે મહેસૂલ મંત્રીએ કરોડો રૂપિયાની જમીન ખાનગી ઉદ્યોગપતિને આપી ?’
વિરોધપક્ષના નેતા ગોહિલે સરકારને ઉપરોકત સવાલો સાથે બપોરે બે વાગ્યા સુધીમાં તેમના જાહેર ચર્ચાના આહવાન માટેનો જવાબ તેમના મોબાઈલ ઉપર અથવા કાર્યાલયના લેન્ડલાઈન ટેલિફોનથી કરવા માટે સરકારને અનુરોધ કર્યો છે.

No comments:

Post a Comment